TEACHER RECRUITMENT 2024|GUJARAT GOVERNMENT|TEACHERS BHARTI 2024|TEACHER RECRUITMENT 2024
- માધ્યમિક અને ઉ. માધ્યમિકમાં શિક્ષકોની ભરતી માટે ઉચ્ચ કક્ષાએ તજવીજ
- આગામી ભરતી પ્રક્રિયામાં નિયમો પણ બદલાશે
- માત્ર ટેટ-ટાટને પ્રાધાન્ય અપાઈ શકે
રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજે 8થી 10 હજાર જેટલી જગ્યામાં રેગ્યુલર શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે તેવુ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે
કાયમી શિક્ષકની ભરતી માટે સરકારમાં શિક્ષણ અને નાણા વિભાગ તેમજ ઉચ્ચકક્ષાએ ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર થવાની શક્યતાઓ જણાય છે. ભરતી પ્રક્રિયાના મેરીટમાં માત્ર ટેટ-ટાટના જ માર્કસને ધ્યાનમાં લેવાનો નિર્ણય પણ લેવાઈ શકે છે. જોકે સત્તાવાર રીતે આ મુદ્દે કોઈ અધિકારી જણાવવા તૈયાર નથી.
સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષકો મળે રહે એ માટે શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ તો શિક્ષક અભિરૂચી કસોટીના માળખામાં મોટો ફેરફાર કરી દ્વિ-સ્તરીય પરીક્ષા પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો. ટાટ-1 અને 2 આ બંન્ને પરીક્ષા દ્વિ-સ્તરીય પદ્ધતિ જ લેવામાં આવી. બીજી તરફ પ્રવાસી શિક્ષકની યોજના રદ કરી એના સ્થાને બે ગણા પગાર વધારા સાથે જ્ઞાન સહાયક યોજના લાગુ કરાઈ અને એ મુજબ ભરતી પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે, જે હાલમાં ચાલી રહી છે. જ્ઞાન સહાયક યોજનાના લીધે સંચાલકો તેમજ શિક્ષણ આલમમા એવી ચર્ચા ઉઠી છે કે, સરકાર હવે આગામી સમયમાં કાયમી શિક્ષકોની ભરતી કરશે કે કેમ ? આ મુદ્દે સરકારમાં પણ અનેક રજૂઆતો પહોચી છે. જેથી સરકાર દ્વારા અગાઉના શિક્ષણમંત્રી દ્વારા કરાયેલી જાહેરાત મુજબ 2600 જેટલી જગ્યામાં પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવાની નિયામક કચેરીને મંજુરી અપાઈ હતી. પ્રાથમિકમાં મંજુરી અપાઈ છે, પરંતુ હજુ સુધી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં કાયમી શિક્ષકોની ભરતીને લઈ માગ ઉઠી હતી. શિક્ષણ વિભાગના સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ આગામી સમયમાં સરકાર દ્વારા પ્રાથમિકની સાથે સાથે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પણ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરશે.
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ્ઞાન સહાયકની ભરતી થયા પછી ખાલી પડેલી જગ્યાઓ પ્રવાસી શિક્ષકોથી ભરવા માટે સંચાલકો દ્વારા માગણી કરાઈ છે. બે મોટા સંચાલક મંડળે આ મુદ્દે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં ચાલુ શૈક્ષણિક વર્ષના અંત સુધીમાં યોજના લંબાવવામાં આવે તેવી માગણી કરાઈ છે. જોકે, ખાલી પડેલી જગ્યાઓ પર પ્રવાસી શિક્ષકોની નિમણૂકની શક્યતા હવે નહીંવત જણાય છે.
જે જગ્યાઓ હાલમાં ખાલી પડી છે ત્યાં માત્ર જ્ઞાન સહાયક શિક્ષકોથી જ ભરવામાં આવશે તેવો નિર્દેશ આપીને આગામી દિવસોમાં ખાલી જગ્યા ભરવા માટે વધારાનો રાઉન્ડ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
રાજ્યની જુદી જુદી પ્રાથમિક શાળાઓમાં મંજૂર થયેલા મહેકમ પ્રમાણે અંદાજે 25 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. જેની સામે હાલમાં 15 હજાર જગ્યા જ્ઞાન સહાયકથી ભરવાની મંજૂરી અપાઈ છે. શિક્ષણ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 13 હજાર જગ્યા જ્ઞાન સહાયકથી ભરી દેવાઈ છે. આમ, કુલ ખાલી બેઠકો પ્રમાણે ગણતરી કરવામાં આવે તો અંદાજ 10 હજારથી વધુ બેઠકો ખાલી રહે તેમ છે. જેમાં માધ્યમિકમાં 5994ની સામે 4500થી વધુ જગ્યા ભરાતા 1500 બેઠકો ખાલી છે. ઉચ્ચત્તર માધ્યમિકમાં 6642 જગ્યાની સામે 3500 જગ્યા ભરાતા અંદાજે 3 હજાર બેઠકો ખાલી છે. આમ, જ્ઞાન સહાયકથી ભરવાની થતી મોટા ભાગની જગ્યાઓ ખાલી પડી છે.
મહત્ત્વની વાત એ કે, હાલમાં જ્ઞાન સહાયકની યોજના લાગુ કર્યા બાદ પ્રવાસી શિક્ષકોની મુદત પૂરી થતાં જ તેમને છૂટા કરવાનો આદેશ કરી દેવાયો છે. આમ, પ્રવાસી શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા બાદ અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના મહામંત્રી ડો. પ્રિયવદન કોરાટ તથા રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે રાજ્યના શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં જે શાળાઓમાં જ્ઞાન સહાયક મળ્યા નથી અથવા તો હાજર થયા નથી તેવી સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોની માન્યતા ચાલુ રાખવામાં આવે અથવા તો મંજૂરી આપવામાં આવે તે જરૂરી છે. જેથી તાકીદે આ જગ્યા માટે પ્રવાસી શિક્ષક યોજના ચાલુ રાખવા માંગ કરવામાં આવી છે.
જો કે, બીજી બાજુ શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષક યોજના લંબાવવા માંગતી ન હોવાના મુડમાં જણાય છે. જે સ્કૂલોમાં જ્ઞાન સહાયકોની જગ્યાઓ ખાલી પડી છે, તેમાં આગામી દિવસોમાં જ્ઞાન સહાયકની ભરતી માટે નવો રાઉન્ડ શરૂ કરવામાં આવશે. આમ, વિભાગ હવે ખાલી જગ્યા પર જ્ઞાન સહાયક જ ભરવા માંગે છે અને નવા રાઉન્ડને લઈને હાલમાં ચર્ચા- વિચારણા ચાલી રહી હોવાથી આગામી દિવસોમાં તે અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
.jpg)
Comments
Post a Comment